સુરતઃ બુધવારની રાત્રે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની કોલકાતા-સુરત ફ્લાઇટમાં રિયલ લાઇફ થ્રિલર જેવો સીન જોવા મળ્યો. 140 કિ.મી.ની ઝડપ સાથે લેન્ડિંગ કરી ટચડાઉન થતાં જ પ્લેનનું ટાયર રનવે સાથે ઘસડાતાં જોરદાર અવાજ આવ્યો હતો. આ સમયે પ્લેન કંટ્રોલ બહાર જાય તે પહેલાં જ પાઇલટે સમયસૂચકતા દાખવી રનવે પરથી પ્લેનને ફરી ટેકઓફ કરી દીધું હતું.
આ અચાનક થયેલા પ્રિ-કોશનરી ગો-અરાઉન્ડને કારણે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે હવામાં એક ચક્કર લગાવ્યા બાદ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. પાઇલટની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી.
શું છે આ ‘પ્રિ-કોશનરી ગો-અરાઉન્ડ’?
ATC ટાવરનાં સૂત્રો કહે છે કે, પાઇલટ લેન્ડિંગ સમયે રનવે પર ઉતરે, પરંતુ તેને લાગે કે પ્લેન સુરક્ષિત રીતે ઊભું રહી શકશે નહીં, ત્યારે તે છેલ્લી સેકન્ડે લેન્ડિંગ કેન્સલ કરીને ફરી આકાશમાં ઊડી જાય છે, તેને 'ગો-અરાઉન્ડ' કહેવાય છે.
